Research સંશોધનની વિભાવના(સંશોધનનો અર્થ)

સંશોધનની વિભાવના(સંશોધનનો અર્થ)
સંશોધન એ પદ્ધતિસરની તાર્કિક અને અનાત્મલક્ષી પ્રક્રિયા છે. જેમાં અભ્યાસ માટે પસંદ કરાયેલી સમસ્યામાં આવરાયેલાં ચલોને અનુરૂપ રચવામાં આવેલી ઉત્કલ્પનાઓની ચકાસણી માટે યોગ્ય ઉપકરણ વડે વ્યવસ્થિત માહિતી મેળવવામાં આવે છે. જેનું ચિત રીતે પૃથક્કરણ કરીને સામાન્યીકરણો કે સિદ્ધાંતો તારવવામાં આવે છે, જેના પરિણામે થીઅરીનો ઉદ્ભવ કે વિકાસ થાય છે.

સંશોધનનાં લક્ષણો
  • સંશોધન એ સમસ્યાના નિરાકરણ માટેની પ્રક્રિયા છે.
  • સંશોધન એ સામાન્યીકરો, સિદ્ધાંતો કે થીઅરીના વિકાસ પર ભાર મૂકે છે. સંશોધન એ અવલોકી શકાય તેવા અનુભવો કે માહિતીજન્ય પુરાવાઓ પર આધારિત છે.
  • સંશોધનમાં પ્રાથમિક સ્રોતમાંથી નવી માહિતી મેળવવાનો કે પ્રાપ્ય માહિતીનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.
  • સંશોધન એ પદ્ધતિસરની, તાર્કિક તેમજ ધીરજપૂર્વક કરવામાં આવતી પ્રક્રિયા છે. સંશોધકના પક્ષે ચોક્કસાઈ, સંશોધન-નિપૂણતા, હિંમત, ખંત, નિષ્ઠા અને અનાત્મલક્ષીતા માગણી પ્રક્રિયા છે.
  • સંશોધનમાં વિસ્તૃતતા અને સંક્ષિપ્તતાનો સમાવેશ થતો હોય તેવી પ્રક્રિયા છે.
  • સંશોધન એ ફરીવાર થઈ શકે તેવી અને પ્રસરણક્ષમ પ્રક્રિયા છે.
  • સંશોધનોનું વર્ગીકરણ
  • સામાન્યતઃ સંશોધનોનું બે રીતે વર્ગીકરણ કરવામાં આવે છે.

અમલીકરણ (conducting)ને આધારે વર્ગીકરણ 

સંશોધન શી રીતે હાથ ધરવામાં આવે છે, તેના આધારે સંશોધનના બે પ્રકાર પડે છે.

સંખ્યાત્મક (quantitative) સંશોધન
ઔપચારિક કે નિયંત્રિત પરિસ્થિતિમાં નમૂનાનાં પાત્રોનાં અવલોકનક્ષમ વર્તનો પરથી એકત્ર કરાયેલી સીમિત અને સંખ્યાત્મક માહિતીનું અંકશાસ્ત્રીય પૃથક્કરણ કરીને અભ્યાસ હેઠળની ઘટનાના સંદર્ભમાં સંબંધો, અસરો કે કારણો નક્કી કરીને સામાન્યીકરણો તારવવામાં આવે છે. આ પ્રકારનું સંશોધન નિગમનાત્મક, અનાત્મલક્ષી, કેન્દ્રિત અને પરિણામલક્ષી અભિગમ ધરાવે છે.

ગુણાત્મક (qualitative) સંશોધન
કુદરતી કે સહજ-સ્વાભાવિક પરિસ્થિતિમાં ઘણાં ચલો અંગે બહુપદ્ધતીય રીતે એકત્ર કરાયેલી વિસ્તૃત અને શાબ્દિક વર્ણનાત્મક માહિતીનું અર્થઘટનાત્મક પૃથક્કરણ કરીને અભ્યાસ હેઠળની ઘટનાને લગતું ઊંડું જ્ઞાન અને સમજ મેળવવામાં આવે છે. આ પ્રકારનું સંશોધન આગમનાત્મક, આત્મલક્ષી, સમગ્રલક્ષી અને પ્રક્રિયાલક્ષી અભિગમ ધરાવે છે.

ધ્યેય (goalpurpose)ને આધારે વર્ગીકરણ

સંશોધન-અભ્યાસ દ્વારા શું મેળવવાનું લક્ષ્ય છે, તેના આધારે સંશોધનના ત્રણ પ્રકાર પડે છે.

મૂલગત (basic) સંશોધન
વ્યાપક સિદ્ધાંતો, નિયમો ઉપજાવીને કે વિકસાવીને જ્ઞાનમાં વધારો કરવા માટે આ પ્રકારનાં સંશોધનો હાથ ધરાય છે. અહીં વ્યાવહારિક ઉપયોગિતાનો હેતુ ગીણ હોય છે.

વ્યાવહારિક (applied) સંશોધન
તાત્કાલિક કે વ્યવહારુ સમસ્યાને ઉકેલવા માટે આ પ્રકારનાં સંશોધનો હાથ ધરાય છે. અહીં જ્ઞાનમાં વધારો કરવાનો હેતુ ગૌણ હોય છે.

ક્રિયાત્મક (action) સંશોધન
પોતાના રોજ-બ-રોજનાં કાર્યો દરમિયાન અનુભવાતી સમસ્યાને જાતે ઉકેલીને પોતાની વ્યાવસાયિક ક્ષમતાઓમાં સુધારણા લાવવા માટે આ પ્રકારનાં સંશોધનો હાથ ધરાય છે. વ્યાવસાયિક સંશોધન જેવાં આ પ્રકારનાં સંશોધનમાં પરિણામોનું સામાન્યીકરણ કરી શકાય નહીં.