ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ(વેદકાલીન શિક્ષણ પ્રણાલી)

ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ

પ્રાચીન સમયમાં અસ્તિત્વમાં હતી તેવી કેટલીક બાબતો પ્રવર્તમાન સમયમાં વિસરાઈ રહી છે. તેને પુનઃ સમજવાનો પ્રયત્ન કરીએ. આ બાબતને સમજવા માટે એક ઉદાહરણ લઈએ જેમ કે, 'વિદ' ધાતુ (શબ્દ) કે જેનો આધાર લઈને પ્રવર્તમાન સમયમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા ઘણા બધા શબ્દો અસ્તિત્વમાં આવ્યા.

"વિદ"નો અર્થ થાય છે- 'ભણવું', 'શીખવું કે જાણવું, શિક્ષણનું સમગ્ર કાર્ય એ આ 'વિદ્' શબ્દમાંથી પ્રગટ થાય છે. 'વિદ્' એ સંસ્કૃતનો ધાતુ છે. આ 'વિદ્' ધાતુમાંથી પ્રાચીન સમયમાં જે બીજો શબ્દ બન્યો છે તે છે 'વેદ'.

'વેદ'નો અર્થ થાય છે 'જ્ઞાન'. આપણા જે ચાર વેદો છે તેને આપણે 'જ્ઞાન ગ્રંથો' તરીકે ઓળખી શકીએ. આ જ્ઞાનગ્રંથી એક જમાનામાં ગુરુકુળોમાં પાઠ્યપુસ્તકો તરીકે વપરાતા હતા. આ ચારેય વેદના જન્મ અંગે પણ વિચારણા થવી જોઈએ. શરૂઆતમાં આ વેદ એક જ હતા, જેને વૈદિક સમયમાં જ્ઞાન તરીકે ઓળખવામાં આવતા, આ વેદના પ્રત્યેક મંત્રને 'ઋચા' એટલે કે "પ્રકાશ' તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે જ શિક્ષણ કે કેળવણીને આંતરિક પ્રદિપ્તીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આમ, કેળવણી એ માનવ સશક્તિકરણ અને આંતરિક પ્રદિપ્તીકરણની પ્રક્રિયા છે જેના દ્વારા જીવન બહેતર અને ઉન્નત બની શકે. જીવન બહેતર બને એટલે કે વ્યવહારુ જ્ઞાન જેમાં પૈસા કમાવા, ઘર ચલાવવું, બાળકોનું ધ્યાન રાખવું, સાજા-માંદા સમયની સગવડો વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે જીવન ઉન્નત બને એટલે કે તમે જીવનમાં ઊંચા બની શકો તમારી પ્રગતિ થાય. મૂળભૂત રીતે આ બે કાર્યો માટે જ 'કેળવણી' છે.

મોટા મોટા ગુરુકુળોના આચાર્યો અને પ્રાચાર્યો દ્વારા વેદોની રચના કરવામાં આવી. જેમાં ગૌતમ, ભારદ્વાજ, વ્યાસ જેવા આચાર્યોનું મહત્વનું પ્રદાન છે. આ મોટા વિદ્વાનો દ્વારા જુદી જુદી જગ્યાએથી પ્રાપ્ત થયેલ કે શીખેલ ઋચાઓને સંગઠિત કરવાનું. તેને વ્યવસ્થિત કરવાનું તેમજ આ ઋચાઓને તેના અર્થ કે ઉપયોગિતાને અનુલક્ષીને વિભાગીકરણ કરવાનું ભગીરથ કાર્ય થયું અને એ રીતે એક વેદમાંથી ચાર વેદ અસ્તિત્વમાં આવ્યા.

વેદનો મૂળ અર્થ ‘જ્ઞાન' થાય. અહીં જ્ઞાન એટલે ફક્ત માહિતી જ નહિ પરંતુ ઊંડાણપૂર્વકનું જ્ઞાન, આ રીતે 'વિદ'માંથી 'વૈદ' શબ્દ થયો અને એક વેદમાંથી ચાર વેદો ઉત્પન્ન થયા. તેની સાથે સાથે ઉપનિષદો પણ બન્યા, જેમ કે ઈશાવાસ્ય, કઠ, કેન,

છાંદોગ્ય ઉપનિષદ વગેરે. આ રીતે પ્રશિક્ષણાર્થી 'વિ'માંથી 'વેદ' અને આ રીતે શિક્ષણની પરિભાષામાં વપરાતા આવા શબ્દોના આવિર્ભાવ વિશે સમજ મેળવશે ત્યારે જ ભારતીય શિક્ષણ દર્શનનો સાચો ખ્યાલ પ્રાપ્ત કરી શકશે.

વેદકાળ, બૌદ્ધકાળ, મધ્યકાળ અને ત્યારબાદના સ્વાતંત્ર્યપ્રાપ્તિ સુધીના સમયગાળામાં શિક્ષણના ઉદ્દેશ, પદ્ધતિ, લાક્ષણિકતાઓ, શિક્ષણની પ્રણાલી, ગુરુ-શિષ્ય સંબંધ, અભ્યાસક્રમ અને મૂલ્યાંકન સંબંધિત બાબતોની વિગતે ચર્ચા કરવામાં આવી છે.

વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા પ્રશિક્ષણાર્થી મિત્રો, ભવ્ય પ્રાચીન સંસ્કૃતિ ધરાવનાર ભારતમાં શિક્ષણનો પ્રારંભ વૈદિકકાળથી થયો હોવાનું મનાય છે. આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિના મુખ્ય આધાર વેદ હતા. તે સમયે શિક્ષણમાં વૈદ અને વૈદિક સાહિત્યનું મહત્વ હોવાના કારણે તેને ‘વૈદિક શિક્ષણ' કહે છે. વૈદિકકાળમાં સમાજ અને શિક્ષણ પર બ્રાહ્મણોનું આધિપત્ય હોવાથી વિદ્વાનો તેને ‘બ્રાહ્મણકાળ' કે 'બ્રાહ્મણીય શિક્ષણ' તરીકે પણ ઓળખાવે છે.

પ્રાચીન ભારતમાં શિક્ષણ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટેનું તેમજ સમાજની સર્વત્તોમુખી ઉન્નતિ માટેનું એક અગત્યનું પરિબળ હતું. પ્રાચીન ભારતીય વિદ્વાનોએ એવી સુગ્રથિત શિક્ષણ પ્રણાલીનું નિર્માણ કર્યુ કે જોણે વૈદિક સાહિત્યનું રક્ષણ કરવાની સાથે સાથે જ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં મૌલિક વિચારકોને જન્મ આપ્યો.

વેદકાલીન શિક્ષણના ઉદ્દેશ

વૈદિક શિક્ષણના મુખ્ય ઉદ્દેશ નીચે મુજબ હતા. પ્રાચીન શિક્ષણનો પ્રત્યક્ષ અને મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સમાજના ધાર્મિક સભ્ય બનાવવાનોહતો. પ્રાચીન ભારતમાં વ્યક્તિના જીવનમાં ધર્મ મુખ્ય ભાગ ભજવતો હતો. શિક્ષણ આપવાનું કાર્ય ધર્મગુરુઓ જ કરતાં હતાં. વ્યક્તિ મોક્ષ ત્યારે જ મેળવી શકે જ્યારે તે ઈશ્વરભક્તિ અને ધાર્મિકતાની ભાવનાથી પૂર્ણ હોય. વ્રત, યજ્ઞ. ઉપાસનાઓ અને વિવિધ ધાર્મિક ઉત્સવો દ્વારા વિદ્યાર્થીઓમાં આ ભાવનાનો વિકાસ કરવામાં આવતો હતો.

ચારિત્ર્યનું ઘડતર કરવું વેદકાલીન શિક્ષણનો બીજો ઉદ્દેશ શિક્ષણ દ્વારા વ્યક્તિને ચારિત્ર્યવાન બનાવાવનો હતો. તે સમયે વિદ્વત્તા કરતાં ચારિત્ર્યને વધુ મહત્વ અપાતું હતું. વ્યક્તિત્વનો સર્વાંગીણ વિકાસ કરવો.

વેદકાલીન શિક્ષણનો ઉદ્દેશ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનો સર્વાગી વિકાસ કરવાનો પણ હતો. આ ઉદ્દેશની સિદ્ધિ માટે તેમને સૈદ્ધાંતિક જ્ઞાનની સાથે સાથે વ્યાવહારિક જ્ઞાન પણ આપવામાં આવતું હતું. વેદકાલીન માનવજીવનનું મુખ્ય લક્ષ્ય ચાર પુરુષાર્થો - ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિનું હતું. વ્યક્તિત્વના વિકાસ માટે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, આત્મસન્માન, આત્મસંયમ, ન્યાયની ભાવના અને વિવેક જેવા સદગુણોનો વિકાસ થાય તેવો પ્રયત્ન કરવામાં આવતો હતો. મોક્ષની પ્રાપ્તિ વેદકાળમાં જીવનનું પરમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ હતું. શરીર નાશવંત છે અને આત્મા અમર છે. આ અમર આત્માની ઉન્નતિ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવા માટે જપ, તપ અને ધ્યાન પર વિશેષ ભાર મૂકવામાં આવતો હતો. વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના શિક્ષણ દ્વારા પોતાના મનને નિયંત્રિત કરવાનું અને ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવાનું શીખવવામાં આવતું. જેથી ચંચળ મન ગમે ત્યાં ભટકી તેમના મોક્ષપ્રાપ્તિના લક્ષ્યમાં અડચણરૂપ ન બને.

ડૉ એસ. એન, મુખર્જી જણાવે છે કે, શિક્ષણનો ઉદ્દેશ ચિત્તવૃત્તિ નિરોધ એટલે મનમાં એવા વિચારોનો પ્રવેશ નિષેધ કે જેના કારણે મન સંસારમાં લુપ્ત થઈ જાય છે." નાગરિક અને સામાજિક ફરજોનું પાલન વિદ્યાર્થીઓમાં ઉચ્ચ સામાજિક કર્તવ્યભાવના વિકસે અને તે દેશનો સારો નાગરિક બને તે પણ વેદકાલીન શિક્ષણનો ઉદ્દેશ હતો. આ માટે વિદ્યાર્થીને નિઃસ્વાર્થ અને પરોપકારપૂર્ણ જીવન જીવવા માટેનુ શિક્ષણ અપાતું હતું. તેઓ પોતાની નાગરિક અને સામાજિક ફરજો યોગ્ય રીતે નિભાવે તે માટે ગુરુ તેમને ઉપદેશ પણ આપતા હતા. આ ઉપદેશમાં અતિથિઓનો યોગ્ય સત્કાર કરવો, દિનદુઃખીયાઓને સહાય કરવી, વૈદિક સાહિત્યનું નિશુલ્ક શિક્ષણ આપવું તેમજ પુત્ર-પિતા કે પતિ તરીકેના પોતાના કર્તવ્યના પાલનનો સમાવેશ થતો હતો.

આત્મનિર્ભરતા માટેનું શિક્ષણ

વેદકાર્લીન શિક્ષણનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સામાજિક કાર્યક્ષમતાની વૃદ્ધિ કરવાનો હતો, જેથી તેઓ પોતાના વ્યાવહારિક જીવનમાં સરળતાથી આજીવિકા પ્રાપ્ત કરી પોતાના સુખમાં વધારો કરી શકે.

વિવિધ વ્યવસાયોમાં કુશળ વ્યક્તિઓ વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરી પોતાના પરિવાર અને દેશને સુખી તેમજ સમૃદ્ધ બનાવવામાં પોતાનું યોગદાન આપતા હતા. સંસ્કૃતિની જાળવણી અને પ્રસાર વેદકાળમાં ગૃહસ્થો પાસે એવી અપેક્ષા રખાતી કે તેઓ તેમના વેદનું અધ્યયન (સ્વાધ્યાય) કરે અને ભાવિ પેઢીને પણ તેનું જ્ઞાન આપે, વિદ્યાદાન એ બ્રાહ્મણનું પુનિત કર્તવ્ય ગણાતું, પ્રત્યેક બ્રાહ્મણ વેદોનું અધ્યયન કરતા અને પ્રત્યેક આર્ય વૈદિક સાહિત્યના કોઈ એક ભાગનું અધ્યયન કરતા હતા.આનાથી રાષ્ટ્રીય સંસ્કૃતિનું સંરક્ષણ અને પ્રસાર પેઢી દર પેઢી સરળ બનતું.

વેદકાલીન શિક્ષણની લાક્ષણિકતાઓ વેદકાલીન શિક્ષણની મુખ્ય લાક્ષણિકતાઓ (વિશેષતાઓ) નીચે મુજબ છે: 

ઉપનયન સંસ્કાર (જનોઈ)

ઉપનયન' શબ્દ સંસ્કૃત ધાતુ ૩૫ની (નજીક લઈ જવું. દોરી જવું) પરથી બન્યો છે, એનો શાબ્દિક અર્થ 'વિદ્યાર્થીને શિક્ષણ માટે તેના ગુરુ પાસે લઈ જવો અને બ્રહ્મચર્ય જીવનમાં પ્રવેશ કરાવો' તે છે. ઉપનયન એ હિન્દુઓના જીવનનો એક મહત્વપૂર્ણ સંસ્કાર છે. આ સંસ્કારથી જ જિત્યના અધિકારી ત્રણ વર્ણોના બાળકોને દ્વિજત્વ પ્રાપ્ત થાય છે. બાળકની ઉંમર 8-9 વર્ષની થતાં તેને ઔપચારિક શિક્ષણ મેળવવા માટે ગુરુકુળમાં મૂકવામાં આવતો. ગુરુકુળમાં પ્રવેશ સમયે એક વિધિ કરવામાં આવતી, જે ઉપનયન સંસ્કાર (દોરાની વિધિ – Thread ceremony) તરીકે ઓળખાતી. 

દિક્ષાન્ત વિધિ (સમાવર્તન સંસ્કાર)

સમાવર્તન કે સ્નાન સંસ્કાર બ્રહ્મચર્ય સમાપ્ત થાય તે સમયે કરવામાં આવતો. આ સંસ્કાર વિદ્યાર્થીજીવનના અંતની સૂચક હતો. સમાવર્તનનો શાબ્દિક અર્થ થાય 'પાછા ફરવું, સમાવર્તન એટલે વેદાધ્યયન બાદ (સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કર્યા પછી) ગુરુકુળથી ઘર તરફ પાછા ફરવું. સમાવર્તન સંસ્કારને સ્નાન સંસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે સ્નાન એ આ સંસ્કારનું મહત્વપૂર્ણ અંગ છે. પ્રાકૃતિક સાનિધ્ય વેદકાળમાં તપોવનમાં આવેલ શિક્ષણકેન્દ્રોમાં વિદ્યાર્થીઓ ઋષિમુનિઓગુરુના ચરણમાં બેસીને જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. પ્રાકૃતિક સૌંદર્યથી સભર શિક્ષણકેન્દ્રોમાં વિદ્યાર્થીઓ પોતાના જીવનનો અમૂલ્ય સમય વિતાવતા હતા, પ્રકૃતિ સાથેના ગાઢ, સતત અને દીર્ઘકાલીન સંબંધની તેમના શારીરિક અને માનસિક વિકાસ પર ચિરસ્થાયી અને વિધાયક અસર થતી હતી.

ગુરુકુળ પ્રથા

ગુરુકુળ પૃથા એ પ્રાચીન ભારતીય શિક્ષણનું એક ઘણું જ મહત્વનું અંગ હતું. જેમાં વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતા અને ઘરથી દૂર ગુરુને ઘેર કે પ્રતિષ્ઠિત છાત્રાલયમાં રહી પોતાનો અભ્યાસ પૂર્ણ કરતા. સ્મૃતિમાં જણાવ્યા અનુસાર ઉપનયન બાદ વિદ્યાર્થીએ પોતાના ગુરુની દેખરેખ હેઠળ શિક્ષણ પૂર કરી દેવું જોઈએ. વિદ્યાર્થી ગુરુની સાથે તેમના પરિવારના સભ્ય બની જ્ઞાન મેળવતા અને પોતાના જીવનનું ઘડતર કરતા. આ વિદ્યાર્થી 'અતેવાસી' કહેવાતા. અંતેવાસીનો યૌગિક અર્થ થાય છે, જે પોતાના ગુરુની પાસે રહે છે તે અધ્યયનનો સમયગાળો

વેદકાળમાં અધ્યયનની અવધિ સામાન્ય રીતે 12 વર્ષની હતી. 12 વર્ષની સમયાવધિમાં વિદ્યાર્થી માત્ર એક જ વેદનું અધ્યયન કરી શકતો. વિદ્યાર્થીએ બીજા વેદોનું અધ્યયન કરવું હોય તો તેણે પ્રત્યેક વૈદ માટે 12 વર્ષ ગુરુકુળમાં વિતાવવા પડતા. 12, 24, 36 અને 48 વર્ષની ઉંમર સુધી બ્રહ્મચર્યનું પાલન કરી જ્ઞાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ક્રમશ સ્નાતક, વસુ, રુદ્ર અને આદિત્ય તરીકે ઓળખાતા, શિક્ષણનું સ્વરૂપ વેદકાલીન શિક્ષણ સંપૂર્ણપણે ધર્મથી પ્રભાવિત હતું. વૈદિક શિક્ષણના આદર્શો, ઉદ્દેશ, પાઠ્યક્રમ, શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાર્થીના દૈનિક જીવન પર ધર્મનું પ્રભુત્વ જોવા મળતું હતું. આમ, વૈદિક શિક્ષણ સંપૂર્ણપણે ધર્માવલંબિત, ધર્માચ્છાદિત અને ધર્મથી રચાયેલું હતું.

નિઃશુલ્ક અને સાર્વત્રિક શિક્ષણ

વેદકાળમાં શિક્ષણ નિઃશુલ્ક હતું. શિક્ષણ આપવું (વિદ્યાદાન) બ્રાહ્મણો માટે ધાર્મિક કર્તવ્ય ગણવામાં આવતું, જેના દ્વારા તેઓ ઋષિ ઋણમાંથી મુકિત મેળવી શકતા હતા. શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાનનો પ્રસાર કરવાનો હતો, આજીવિકા મેળવવાનો નહીં, કક્ષાનાયક પ્રણાલી વૈદિક શિક્ષણની મહત્વપૂર્ણ વિશેષતા છે કક્ષાનાયક પ્રણાલી (વડા વિદ્યાર્થીની પ્રથા, વર્ગ નેતા પ્રણાલી). આ પદ્ધતિ અનુસાર ઉચ્ચવર્ગ કક્ષાના બુદ્ધિશાળી, પ્રતિભાશાળી વિદ્યાર્થી જેને નાયક (નેતા) કહેવામાં આવતો, તે નિમ્નવર્ગ(કક્ષા)ના વિદ્યાર્થીઓને શિક્ષણ આપતો અને ગુરુને શિક્ષણકાર્યમાં મદદરૂપ બનતો. આ પદ્ધતિથી મુખ્ય ત્રણ લાભ થતા હતા, જે નીચે મુજબ છે -

(1) ગુરુને તેમના શિક્ષણકાર્યમાં સહાય મળતી, વિદ્યાલયની કાર્યક્ષમતામાં વૃદ્ધિ થતી 

(2) ગુરુ(શિક્ષક)ની ગેરહાજરીમાં પણ શિક્ષણકાર્ય ચાલતું

(૩) વડો વિદ્યાર્થી થોડા સમયમાં જ શિક્ષણકાર્યમાં પ્રશિક્ષિત થઈ જતો

વૈદકાળની આ પદ્ધતિથી પ્રભાવિત થઈ અંગ્રેજ શિક્ષણકાર બેલ અને બેંકાસ્ટરે તેમના દેશમાં આ પદ્ધતિ અમલમાં મૂકી. પરંતુ તેઓ આ પદ્ધતિને આદર્શ સ્વરૂપ ન આપી શક્યા. 

બાહ્ય નિયંત્રણથી મુક્તિ

રાજય ગુરુકુળને આર્થિક મદદ કરતું પરંતુ ગુરુકુળના સંચાલનમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરતું નહોતુ. ગુરુકુળ સંપૂર્ણપણે આચાર્યના નિયંત્રણમાં હતું. આચાર્યની આજ્ઞા અનુસાર જ ગુરુકુળના બધા કાર્યો થતા. રાજય સરકાર, રાજકીય પરિબળો કે પ્રજા આચાર્યના કાર્યોમાં દખલગીરી કરતા નહીં.

શિક્ષણ-પદ્ધતિ

વેદકાળમાં મૌખિક પદ્ધતિથી શિક્ષણ અપાનું, વૈદમંત્રોનું ગુરુના મુખેથી ઉચ્ચારણ થયા બાદ વિદ્યાર્થીઓ વેદમંત્રોનું શ્રવણ અને ગુરુના ઉચ્ચારણનું અનુસરણ કરતા. મંત્રમાં વિદ્યાર્થીને પડતી મુશ્કેલીનું નિવારણ ગુરુ દ્વારા કરવામાં આવતું. ગુરુ પાસેથી મેળવેલ જ્ઞાન ચિંતન, મનન અને નિદિધ્યાસન દ્વારા વિદ્યાર્થી આત્મસાત્ કરતો, કંઠસ્થ કરેલ પ્રત્યેક મંત્રનો અર્થ જાણવો વિદ્યાર્થી માટે જરૂરી હતો. મંત્રો અને ગુરુના પ્રવચન પરની વિદ્યાર્થીઓની શકા-પ્રશ્નોના સમાધાન માટે શાસ્ત્રાર્થ, વાદવિવાદ, પ્રશ્નોત્તર જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરાતો.

ઉપરોક્ત પદ્ધતિઓ ઉપરાંત ઉપયોગમાં લેવામાં આવી પદ્ધતિઓમાં પ્રશ્ન (શિષ્ય દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો), અનુપ્રશ્ન (ગુરુના સ્પષ્ટીકરણ પર પૂછવામાં આવતા પૂરક પ્રશ્નો), અન્નીપ્રશ્નો (અસંગત પ્રશ્ન કે દલીલને અટકાવવા પૂછાતો પ્રશ્ન, વ્યાખ્યા (ફકરાનો અર્થ સમજાવવો) અનુવ્યાખ્યા (પૂરક સ્પષ્ટીકરણ) અને દૃષ્ટાંત (ઉદાહરણ) મહત્વપૂર્ણ પદ્ધતિઓ હતી. વૈદિક ઋષિઓ અંતિમ સત્ય અને વાસ્તવિકતાને જાણવા તપ અને યોગ કરતા હતા. આમ, વૈદિક સમયમાં શિક્ષણની પદ્ધતિ પ્રત્યક્ષ અને વ્યક્તિગત હતી.

ગુરુ-શિષ્ય સંબંધ

વૈદિક શિક્ષણની સર્વશ્રેષ્ઠ પરંપરાઓમાં ગુરુ-શિષ્ય સંબંધની પરંપરા ધ્યાનાકર્ષક હતી ગુરુ-શિષ્ય વચ્ચેના સંબંધનો આધાર કોઈ સંસ્થા નહીં પણ અહીં દર્શાવેલા તેમના પારસ્પરિક કર્તવ્યો પર હતો. બન્ને વચ્ચેના સંબંધો સુમધુર, પારસ્પરિક અને પારિવારિક હતા. વિદ્યાર્થીની ફરજો: વિદ્યાર્થીઓ પોતાના ગુરુને ઊંડા આદરભાવથી જોતા અને હ્રદયથી તેમનું સન્માન કરતા. તેઓ ગુરુને માતા-પિતા, દેવતા કે રાજા જેવું ઉચ્ચસ્થાન અને માન આપતા. શિક્ષકની ફરજો: વેદકાળમાં ગુરુ પોતાના વિદ્યાર્થી પર પુત્ર સમાન પ્રેમ રાખતા. વૈદિક ઋષિઓએ ગુરુને વિદ્યાર્થીના 'આધ્યાત્મિક પિતા' (Spiritual Father) કહ્યા છે. પોતાના વિદ્યાર્થીની ક્ષતિઓ માટે ગુરુ નૈતિક રીતે જવાબદાર ગણાતા, ગુરુ વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા, તેમના ચારિત્ર્યનું ઘડતર કરી સારી ટેવોનું સિંચન કરતા તેમજ તેમના માટે ભોજન-વસ્ત્રોની વ્યવસ્થા કરતા. શિષ્યની માંદગી વખતે ગુરુએ પિતાનીજેમ તેની સારવાર અને શુશ્રુષા કરવાની હતી.

આમ, ગુરુ (શિક્ષક) અને શિષ્ય (વિદ્યાર્થી) પરસ્પર સ્નેહ, સન્માન, વિશ્વાસ અને કર્તવ્યની ભાવનાથી જોડાયેલા હતા. બંનેનું જીવન લક્ષ્ય સમાન હતું. જ્ઞાન અને સંસ્કૃતિનું સંરક્ષણ, સંવર્ધન, પ્રસારણ તેમજ જીવન અને આચરણમાં એના મહત્વને સિદ્ધ કરવું. ગુરુ પોતાના શિષ્યોના શારીરિક, ભાવનાત્મક, માનસિક, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને આધ્યાત્મિક વિકાસની જવાબદારી નિભાવતા હતા.

અભ્યાસક્રમ

પ્રાથમિક શિક્ષણની શરૂઆત મૌખિક જ્ઞાનથી થતી. બાળકોને વૈદિક મંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ અને ગાન શીખવવામાં આવતું. મંત્રો કંઠસ્થ થઈ ગયા બાદ તેનું પઠન અને લેખન કરાવવામાં આવતું. ભાષાનું અપેક્ષિત જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ તેમને સાહિત્ય વ્યાકરણ, ગણિત તથા છંદશાસ્ત્રથી પરિચિત કરવામાં આવતી.

આમ. પ્રાથમિક શિક્ષણના પાઠ્યક્રમમાં વેદમંત્રોનું સ્મરણ, ગાન, પઠન, લેખન, ભાષા, વ્યાકરણ, ગણિત અને છંદશાસ્ત્રનો સમાવેશ થતો હતો.

વૈદકાળનો વિદ્યાર્થી વ્યાકરણથી સંપૂર્ણ જાણકાર હોય તે આવશ્યક હતું, તે સમય દરમ્યાન બે પ્રકારના વિષયોનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે.

આધ્યાત્મિક : આધ્યાત્મિક વિષયોમાં ચાર વેદ. છ વેદાંગ, ઉપનિષદ, પુરાણ, દર્શનશાસ્ત્ર, નીતિશાસ્ત્ર વગેરે જેવા વિષયો સમાવિષ્ટ હતા.

લૌકિક: લૌકિક વિષયોમાં જ્યોતિષ, ગણિત, ઈતિહાસ, ભૌતિકશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, ભૂગર્ભશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, પશુપાલન, આર્યુવેદ અને વિવિધ લલિત કલાઓનો સમાવેશ થતો હતો.

યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયીના સંવાદમાં નીચેના જેવા વિષયોનો ઉલ્લેખ જોવા મળે છે. ચાર વેદ, ઈતિહાસ, પુરાણ, વ્યાકરણ, નક્ષત્રવિદ્યા, સર્પદંશ વિશમનવિદ્યા, નૃત્ય અને સંગીત.

મૂલ્યાંકન અને પરીક્ષા પદ્ધતિ 

વેદકાળમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટેની કોઈ નિશ્ચિત પ્રણાલી અસ્તિત્વમાં ન હતી, વિદ્યાર્થી સાથેના ઘનિષ્ઠ અને સતત સંપર્કને કારણે ગુરુ પોતાના પ્રત્યેક વિદ્યાર્થીની યોગ્યતા અને મર્યાદાથી સંપૂર્ણપણે પરિચિત રહેના. ગુરુ શિક્ષણકાર્ય દરમિયાન અને પછી પ્રશ્નો પૂછી મૌખિક કસોટી દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરતાં અને તેને આગળના વર્ગમાં જવાનો અધિકાર આપતા, સમયાંતરે વ્યાખ્યાનો, સ્પર્ધાઓ, શાસ્ત્રાર્થ અને વાદવિવાદનું આયોજન કરવામાં આવતું, જેમાં વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાન અને યોગ્યતાનું પ્રદર્શન કરતાં. આમ, વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ-કાર્યક્રમોદ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવતું.