મનોવિજ્ઞાન (Psychology - સાયકોલૉજી) શબ્દ ગ્રીક ભાષાના Psyche - (સાયકી) અને Logos - (લોગોસ) શબ્દનો બનેલો છે; જેમાંના Psyche-સાયકી શબ્દનો અર્થ થાય છે આત્મા અને Logos - લોગોસનો અર્થ થાય છે વિજ્ઞાન, આમ, શરૂઆતમાં શબ્દાર્થના આધારે મનોવિજ્ઞાનને આત્માના વિજ્ઞાન' તરીકે ઓળખવામાં આવ્યું, પરંતુ વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થવાની સફરમાં આત્મા પછી મન અને છેલ્લે ચેતનાને પણ છોડવી પડી અને મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન બની રહ્યું.
આપણે જોઈએ છીએ કે, માનવી જાગ્રત હોય કે સૂતો હોય, કામ કરતો હોય કે શાંતિથી બેઠો હોય, સમુદ્રના તળિયે હોય કે અવકાશમાં હોય, દરેક પરિસ્થિતિમાં પ્રત્યક્ષ જોઈ શકીએ અથવા ન જોઈ શકીએ તેવું કશુંક તે કરતો રહે છે. આ તેનું બાહ્ય અથવા આંતરિક વર્તન છે. મનોવિજ્ઞાન માનવીના આવા બાહ્ય, આંતરિક,
શારીરિક, માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને સમજૂતી (Definition and Explanation of Psychology)વર્તમાન સમયમાં મનોવિજ્ઞાનની જૂની અનેક વ્યાખ્યાઓને અંતે મનોવિજ્ઞાનની જુદી જુદી વ્યાખ્યાઓ નીચે મુજબ છે.
(1) મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે."
- સી. ટી. મોર્ગન
(2) ‘મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે."
- હિલગાર્ડ એટકીન્સન
(3) ‘મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતાં વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે.
- એચ. ઈ. ગેરેટ
ઉપર્યુક્ત વ્યાખ્યાઓને આધારે સર્વસામાન્ય વ્યાખ્યા આ મુજબ છે :
(4) મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે.’ (Psychology is a science which studies mental processes, experiences and behaviour in different contexts.)
મનોવિજ્ઞાન : એક વિજ્ઞાન
સર્વસામાન્ય વ્યાખ્યામાં સમાવિષ્ટ ચાર મુદ્દાઓ
(A) માનસિક પ્રક્રિયાઓ
(B) અનુભવ
(C) વર્તન અને
(D) વિજ્ઞાનને સમજવાનો પ્રયાસ કરીએ.