વુડનો ખરીતો (1854)

૧૮૩૩માં કંપનીએ તૈયાર કરેલ ચાર્ટર્ડ એકટના અમલીકરણ દરમિયાન ઉદભવેલ સમસ્યાઓ અને પરિણામોના સંદર્ભમાં શિક્ષણક્ષેત્રે પુનઃપરિવર્તન કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો. આ કાર્ય માટે બ્રિટિશ લોકસભાએ એક સમિતિની રચના કરી જેણે ભારતની ૧૮૫૪ના સમયગાળાની શિક્ષણનીતિ તેના ગુણ-દોષ અને પરિણામોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. સમિતિની ભલામણોને ધ્યાનમાં લઈ ૧૯ જુલાઈ, ૧૮૫૪ માં કંપનીના સંચાલકોએ ભારતમાં તેઓની શિક્ષણ નીતિની જાહેરાત કરી. તે સમયે બોર્ડ ઓફ કંટ્રોલના પ્રધાન ચાર્લ્સ વુડ હતા.તેથી તે ઘોષણાપત્રને 'વુડનું ઘોષણા પત્ર' અથવા

'વુડનો ખરીતો' કહેવામાં આવે છે.

      વુડના ખરીતામાં ધ્યાન ખેંચતી બાબત એ હતી કે અનેક મહત્વના વિષયોમાંથી બીજો કોઈ વિષય અમારું ધ્યાન એટલું આકર્ષિત નથી કરતો જેટલું શિક્ષણ' એમ સંસદિય સમિતિએ તેના અહેવાલમાં ઉપસ્થિત થયેલ દેશી અને વિદેશી શિક્ષણના વિવાદનો સંકેત કર્યો હતો, તેમ છતાં પશ્ચાત્ય જ્ઞાન અને વિજ્ઞાનનું શિક્ષણ ભારતવાસીઓ માટે જરૂરી હોવાનું જણાવ્યુ હતુ.

      અંગ્રેજી શિક્ષણના પ્રભાવથી ભારતની દેશી ભાષાઓની પ્રગતિ અટકી હોવાનો સ્વીકાર કરી ભાષાના પ્રશ્ને સમિતિએ ભલામણ કરી હતી કે : ' શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજી અને દેશી બંને ભાષાઓનો ઉપયોગ થવો જોઈએ.'

વુડના ખરીતાની ભલામણો:-

 1. શિક્ષણનો હેતુ:-

શિક્ષણ દ્વારા ભારતવાસીઓનો ચારિત્ર્ય અને બૌદ્ધિક વિકાસ કરવો.

શિક્ષણ દ્વારા અંગ્રેજી રાજ્ય સુદઢ બને તેવી વ્યક્તિઓ તૈયાર કરવી.

શિક્ષણ પામેલી વ્યક્તિઓને રાજ્યના મહત્વના હોદા પર નિમણુંક આપી શકાય.

2. પાઠ્યક્રમ:-

સંસ્કૃત, અરબી અને ફારસી ભાષાને મહત્વનું સ્થાન આપવું.

પાશ્ચાત્ય સાહિત્ય અને વિજ્ઞાનનો અભ્યાસ જ ભારતવાસીઓ માટે વધુ લાભદાયી હોવાનું જણાવી તેને મહત્વનું સ્થાન આપવું.

ભારતવાસીઓને યુરોપનું જ્ઞાન આપવાનો ઉદ્દેશ ધ્યાનમાં રાખી પાઠ્યક્રમ તૈયાર કરવો.

3. શિક્ષણનું માધ્યમ:-

દેશી ભાષામાં લખાયેલા પુસ્તકોનો અભાવ હોવાનું કારણ બતાવી અને અંગ્રેજી ભાષાનું યોગ્ય જ્ઞાન ધરાવનાર જ સાહિત્ય અને વિજ્ઞાનનું શિક્ષણ મેળવી શકે તેવું જણાવી અંગ્રેજી ભાષા શિક્ષણના માધ્યમ માટે જરૂરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સાહિત્ય અને વિજ્ઞાનનું શિક્ષણ સિવાય બીજું શિક્ષણ મેળવનારા માટે શિક્ષણનું માધ્યમ દેશી ભાષા હશે તેવું જણાવવામાં આવ્યુ.

યુરોપિયન જ્ઞાનના પ્રસાર માટે ભારતની બધી શાળાઓમાં અંગ્રેજી અને ભારતની દેશી ભાષામાં બંને સાથે વિકાસ પામે તેવી ઇચ્છા દર્શાવી હતી.

4. જનશિક્ષણ વિભાગની સ્થાપના:-

ભાષાના પ્રત્યેક પ્રાંતમાં જનશિક્ષણ વિભાગની સ્થાપના કરવી.

વિભાગના સર્વોચ્ચ વડા 'જન-શિક્ષણ સંચાલક' હોય, તેમના કાર્યમાં સહાય કરવા નાયબ શિક્ષા સંચાલક, નિરીક્ષક અને સહાયક નિરીક્ષકોની નિમણુંક કરવી.

પ્રતિ વર્ષ ' જન-શિક્ષણ સંચાલકે' શિક્ષણ અંગે અહેવાલ તૈયાર કરી સરકારશ્રી સમક્ષ રજુ કરવો.

5. યુનિવર્સિટીઓની સ્થાપના:-

લંડનની યુનિવર્સિટીના આદર્શોને ધ્યાનમાં રાખી કલકત્તા, મુંબઈ, અને જરૂર પડે તો મદ્રાસમાં એક એક યુનિવર્સિટીની સ્થાપના કરવાની ભલામણ કરી હતી.

પ્રત્યે યુનિવર્સિટીમાં કુલપતિ , ઉપકુલપતિ અને સહાયક સભ્યો હોય.

યુનિવર્સિટી પોતાની સાથે સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા લેશે અને ઉપાધિ એનાયત કરશે.

6. શ્રેણીબદ્ધ વિદ્યાલયોની સ્થાપના:-

શિક્ષણમાં વધુ ને વાધુ જ્ઞાન પ્રાપ્ત કરનાર વ્યક્તિને ક્રમશઃ જ્ઞાનપ્રાપ્તિ માટે કોઈ અવરોધ ઊભો ન થાય તે હેતુથી શ્રેણીબદ્ધ વિદ્યાલયો સ્થાપવાની ભલામણો કરી હતી.

શ્રેણીબદ્ધ વિદ્યાલયોનું માળખું:- શ્રેણીબદ્ધ વિદ્યાલયો એટલે પ્રાથમિક શાળા - મિડલ સ્ફુલ - હાઈસ્કૂલ - કોલેજ- યુનિવર્સિટી એમ નક્કી કર્યુંં હતું.

7. જનશિક્ષણનો ફેલાવો:-

શિક્ષણ ખાસ વિશેષ વર્ગ માટે હતું અને જેનો મહત્તમ ખર્ચ કંપની ભોગવતી હતી તે દૂર કરી તેના બદલે સામાન્ય જનતા માટે શિક્ષણનો પ્રબંધ કરી સામાન્ય જનતાને વ્યવહારિક અને લાભદાયી શિક્ષણ આપવું.

પ્રાથમિક શાળાઓ, મિડલ સ્કૂલો અને હાઈસ્કૂલોની સંખ્યા વધારવી.

ગરીબ અને યોગ્ય વિધાર્થીઓને શિષ્યવૃત્તિઓ આપવી.

ખાસ કરીને દેશી શાળાઓને પ્રોત્સાહન આપવું.

8. સહાયતા અનુુદાન પદ્ધતિ:-

દરેક પ્રાંતીય સરકાર સહાયતા અનુદાન માટેના નિયમો બનાવે.

સહાયતા અનુદાનનો લાભ સરકારી શરતોનું પાલન કરનાર વિદ્યાલયોને જ આપવો.

શાળામાં કોઈ પણ જાતનો ભેદભાવ વિના વ્યવહારિક, સારું અને ધર્મનિરપેક્ષ શિક્ષણ આપવું.

શાળાના વિધાર્થીઓ પાસેથી ફી લેવી.

9. શિક્ષક-પ્રશિક્ષક:-

ઇંગ્લેન્ડના ધોરણે ભારતમાં પણ શિક્ષક-પ્રશિક્ષણ સંસ્થાઓ શરૂ કરવી.

વૈદીકશાસ્ત્ર, કાનૂની અને એન્જીનીયરીંગ શાળાઓમાં શિક્ષક-પ્રશિક્ષણની વ્યવસ્થા અમલી બનાવવી.

છાત્ર, શિક્ષકોને શિષ્યવૃત્તિઓ આપવી તેમજ શિક્ષકોને વધારે વેતન આપી શિક્ષણ વિભાગને આકર્ષક બનાવવો.

10. સ્ત્રી શિક્ષણ:-

સ્ત્રી-શિક્ષણના વિકાસ માટે ઉદાર હાથે નાણાંની સહાયતા કરનાર દાતાઓની પ્રશંસા કરવી.

સ્ત્રી-શિક્ષણ માટેની શાળાઓને પણ સહાયતા અનુદાનનો લાભ આપવો.

11. વ્યવસાયિક શિક્ષણ:-

ભારતમાં એવી કોલેજો અને શાળાઓનું નિર્માણ કરવું કે જેથી ભારતવાસી વિવિધ વ્યવસાયનું શિક્ષણ મેળવી બેકાર ન રહેતા કામે લાગે અને કંપનીનો આભાર માનતો થાય. પરિણામે ભારતવાસીઓનું હિત થશે અને કંપનીને સ્વામીભક્ત કર્મચારીઓ મળશે.

12. પ્રાચ્ય સાહિત્યને પ્રોત્સાહન:-

પ્રાચ્ય ભાષાઓને પ્રોત્સાહન આપવું.

પાશ્ચાત્ય ભાષાના સાહિત્ય અને વિજ્ઞાનના પુસ્તકોનો પ્રાચ્ય ભાષામાં અનુવાદ કરવો.

દેશી ભાષામાં પુસ્તકો લખાવવા.

દેશી ભાષામાં પુસ્તકોના લેખકોને પુરસ્કાર આપવો.

13. શિક્ષણ અને રોજગાર:-

જેની શૈક્ષણિક લાયકાત અન્ય વ્યક્તિ કરતા વધારે હોય તેવી શિક્ષીત વ્યક્તિઓને સરકારી નોકરી આપવી જેથી શિક્ષણના ફેલાવવાની સાથે સાથે માનવીય ગુણોનો પણ વિકાસ થાય. પરિણામે વ્યક્તિનું જીવન વધારે સમૃદ્ધ બને.