આધુનિક સમયમાં શિક્ષણ-વ્યવસ્થા(Modern education system)

આધુનિક સમયમાં શિક્ષણ-વ્યવસ્થા

ભારતમાં આધુનિક શિક્ષણનો પાયો યુરોપીય ઈસાઈ ધર્મપ્રચારકો તથા વેપારીઓ દ્વારા નાંખવામાં આવ્યો. તેમણે ઘણા વિદ્યાલયો સ્થાપ્યા, પ્રારંભમાં તેમનું કાર્યક્ષેત્ર મદ્રાસ હતું. ધીરે ધીરે કાર્યક્ષેત્રનો વિકાસ બંગાળમાં પણ થવા લાગ્યો. આ વિદ્યાલયોમાં ઈસાઈ ધર્મનાં શિક્ષણની સાથે સાથે ઈતિહાસ, ભૂગોળ, વ્યાકરણ, ગણિત, સાહિત્ય વગેરે વિષયો શીખવવામાં આવતા હતાં.

150 વર્ષનો સમયગાળો પસાર થતા થતા વેપારી ઈસ્ટ ઈન્ડિયા કંપની રાજ્ય કરવા લાગી, તેની વિસ્તારવાદી નીતિમાં અવરોધ પડવાના ડરથી કંપની શિક્ષણનાં ક્ષેત્રમાં ઉદાસીન રહી. તેમ છતાં વિશેષ કારણ અને ઉદ્દેશથી ઇ. સ. 1780માં કલકત્તામાં ‘કલકત્તા મદરેસા" અને ઇ. સ. 1791માં બનારસમાં 'સંસ્કૃત કૉલેજ'ની સ્થાપના કંપની દ્વારા કરવામાં આવી. કંપની હવે તેના રાજ્યમાં ભારતીયોને શિક્ષણ આપવાની જરૂરિયાતને સમજવા લાગી. ઇ. સ. 1813ના આજ્ઞાપત્ર અનુસાર શિક્ષણના ક્ષેત્રમાં ધનનો ખર્ચ કરવાનો નિશ્ચય કર્યો. કેવા પ્રકારનું શિક્ષણ આપવું એ મુદ્દા પર પૂર્વ અને પશ્ચિમી શિક્ષણનાં સમર્થકોમાં મતભેદ રહ્યાં. વાદ વિવાદ ચાલતો રહ્યો. અંતમાં લૉર્ડ મેકાલેના તર્કવિતર્ક અને રાજા રામમોહન રાયનાં સમર્થનથી પ્રભાવિત થઈ ઇ. સ. 1835માં લૉર્ડ બૅટિકે નિશ્ચય કર્યો કે અંગ્રેજી ભાષા અને સાહિત્ય તથા યુરોપીય ઈતિહાસ, વિજ્ઞાન વગેરેનું શિક્ષણ આપવામાં આવે અને ઇ. સ. 1813ના આજ્ઞાપત્રમાં આ માટે અનુમોદિત ધન ખર્ચ કરવામાં આવે. પૂર્વનું શિક્ષણ ચાલુ રહે પરંતુ અંગ્રેજી અને પશ્ચિમી વિષયોનાં અધ્યયન-અધ્યાપન પર ભાર આપવામાં આવે.

પાશ્ચાત્ય રીતથી શિક્ષિત ભારતીયોની આર્થિક સ્થિતિ સુધરતી જોઈને લોકો આ તરફ આકર્ષવા લાગ્યા. અંગ્રેજી વિદ્યાલયોમાં વધારે માત્રામાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા લાગ્યા, કારણ કે અંગ્રેજી ભણેલા ભારતીયોને સરકારી પદો પર નિયુક્ત કરવાની સરકારી નીતિની ઘોષણા કરી દેવામાં આવી હતી. સરકારી પ્રોત્સાહનની સાથે સાથે અંગ્રેજી શિક્ષણને પર્યાપ્ત માત્રામાં વ્યક્તિગત સહયોગ પણ મળવા લાગ્યો. અંગ્રેજ સામ્રાજ્ય વિસ્તારની સાથે સાથે વધારે કર્મચારીઓ, ડૉક્ટરો, ઈજનેરો અને વકીલોની આવશ્યકતા પડવા લાગી, ઉપયોગી શિક્ષણ તરફ પણ સરકારની નજર ગઈ. મેડિકલ, ઈજનેરી અને લો કૉલેજોની સ્થાપના થવા લાગી. સ્ત્રી-શિક્ષણ પર પણ ધ્યાન આપવાનું શરૂ થયું. 1853માં શિક્ષણની પ્રગતિની ચકાસણી કરવાના ઉદ્દેશથી એક સમિતિ બનાવવામાં આવી. 1854માં વુડના ખરીતા (શિક્ષણ-સંદેશપત્ર) દ્વારા સમિતિના નિર્ણયો કંપનીને મોકલી આપવામાં આવ્યા, સંસ્કૃત, અરબી અને ફારસીના જ્ઞાનને આવશ્યક સમજવામાં આવ્યું. ઔદ્યોગિક વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોની સ્થાપનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. પ્રાંતોમાં શિક્ષણ વિભાગ, શિક્ષણ-પ્રશિક્ષણ, સ્ત્રી-શિક્ષણ વગેરેની ભલામણો કરવામાં આવી. ઇ. સ. 1857માં સ્વતંત્રતા માટેનું યુદ્ધ શરૂ થઈ ગયું, જેનાથી શિક્ષણની પ્રગતિમાં અવરોધ આવ્યો. પ્રાથમિક શિક્ષણ હજુ પણ ઉપેક્ષિત જ રહ્યું, ઉચ્ચશિક્ષણની ઉન્નતિ થતી ગઈ. ઇ. સ. 1857માં કલકત્તા, મુંબઈ અને મદ્રાસમાં વિશ્વવિદ્યાલયોની સ્થાપના થઈ.

મુખ્યતઃ પ્રાથમિક શિક્ષણની સ્થિતિની તપાસ અને શિક્ષણના પ્રશ્નો પર વિચાર કરવા માટે ઇ. સ. 1882માં સર વિલિયમ વિલ્સન હટરની અધ્યક્ષતામાં ભારતીય શિક્ષણ આયોગની નિયુક્તિ કરવામાં આવી. આયોગે પ્રાથમિક શિક્ષણ માટે ઉચિત ભલામણો કરી. સરકારી પ્રયત્નોને માધ્યમિક શિક્ષણથી હટાવીને પ્રાથમિક શિક્ષણના સંગઠનમાં લગાવવાની ભલામણ કરી.

આયોગની ભલામણોથી વિદ્યાલયોની સંખ્યા વધી, શિક્ષિતોની સંખ્યા વધી. પરંતુ, શિક્ષણનું સ્તર નીચે ગયું. દેશની પ્રગતિ ઈચ્છવાવાળા ભારતીયોને વ્યાપક અને સ્વતંત્ર રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા લાગી. સ્વતંત્રતાપ્રેમી ભારતીયો અને ભારતપ્રેમીઓએ સુધારાનું કામ ઉપાડી લીધું. ઇ. સ. 1870માં બાળ ગંગાધર તિલક અને તેમના સહયોગીઓ દ્વારા પૂનામાં ફર્ગ્યુસન કૉલેજ, ઇ. સ, 1886માં આર્યસમાજ દ્વારા લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક કૉલેજ અને ઇ. સ. 1898માં કાશીમાં શ્રીમતી એની બેસન્ટ દ્વારા સેન્ટ્રલ હિન્દુ કૉલેજની સ્થાપના કરવામાં આવી.

ઇ. સ. 1901માં લૉર્ડ કર્ઝને શિમલામાં એક ગુપ્ત શિક્ષણ સંમેલન કર્યું, જેમાં 152 પ્રસ્તાવ સ્વીકૃત થયા. પ્રાથમિક શિક્ષણના ઉત્થાન માટે લૉર્ડ કર્ઝને જરૂરી રકમની સ્વીકૃતિ આપી. શિક્ષણમાં પ્રશિક્ષણની

વ્યવસ્થા કરવામાં આવી તથા શિક્ષણ અનુદાન પદ્ધતિ અને અભ્યાસક્રમમાં સુધારો કર્યો, કર્ઝનનો મત હતો કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષાના માધ્યમથી જ અપાવવું જોઈએ.

ઇ. સ. 1911માં ગોપાલકૃષ્ણ ગોખલેએ પ્રાથમિક શિક્ષણને મફત અને ફરજિયાત કરવાના પ્રયત્નો કર્યા પરંતુ અંગ્રેજ સરકાર અને તેના સમર્થકોના વિરોધના કારણે તે સફળ ન થઈ શક્યા.

ઈ. સ. 1916 સુધી ભારતમાં પાંચ વિશ્વવિદ્યાલયો હતા. હવે સાત નવા વિશ્વવિદ્યાલયો સ્થાપવામાં આવ્યા. ઇ. સ. 1916માં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય તથા મૈસૂર વિશ્વવિદ્યાલય, ઇ. સ. 1917માં પટણા વિશ્વવિદ્યાલય, ઇ. સ. 1918માં ઑસમાનિયા વિશ્વવિદ્યાલય, ઇ. સ. 1920માં અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય અને 1921માં લખનૌ તથા ઢાકા વિશ્વવિદ્યાલય સ્થાપવામાં આવ્યા. અસહયોગ આંદોલનથી રાષ્ટ્રીય શિક્ષણની પ્રગતિને બળ અને વેગ મળ્યો. બિહાર વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ, ગૌડીય સર્વવિદ્યાયતન, તિલક વિદ્યાપીઠ, ગૂજરાત વિદ્યાપીઠ, જામીયા મિલિયા ઈસ્લામિયા વગેરે સંસ્થાઓની સ્થાપના થઈ. ઇ. સ. 1921ના નવા શાસન સુધારા કાયદા અનુસાર બધા પ્રાંતોમાં શિક્ષણ ભારતીયમંત્રીઓના અધિકારક્ષેત્રમાં આવી ગયું. પરંતુ સરકારી સહયોગના અભાવને કારણે ઉપયોગી યોજનાઓને કાર્યાન્વિત કરવાનું સંભવ ન બન્યું, અંતે બધા પ્રાંતોમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવાની કોશિશ વ્યર્થ થઈ.

ઇ. સ. 1937માં શિક્ષણની એક યોજના તૈયાર કરવામાં આવી, જે ઇ. સ. 1938માં 'બુનિયાદી શિક્ષણ'ના નામથી પ્રસિદ્ધ થઈ. 7થી 11 વર્ષનાં બાળકો(છોકરાં-છોકરી)નું શિક્ષણ ફરજિયાત થાય, શિક્ષણનું માધ્યમ માતૃભાષા રાખવામાં આવે, ચરખો, કૃષિ, લાકડાનું કામ જેવા ઉદ્યોગોને કેન્દ્રમાં રાખીને તેના આધાર પર સાહિત્ય, ભૂગોળ, ઈતિહાસ, ગણિત જેવા વિષયોને ભણાવવામાં આવે. ઇ. સ. 1945માં આવું પરિવર્તન કરવામાં આવ્યું અને પરિવર્તિત યોજનાનું નામ નઈ તાલીમ' રાખવામાં આવ્યું. આના ચાર ભાગ હતા :

(1) પૂર્વ બુનિયાદી

(2) બુનિયાદી

(૩) ઉચ્ચ બુનિયાદી અને

(4) વયસ્ક શિક્ષણ

'હિન્દુસ્તાની તાલીમી સંઘ'(ભારતીય શૈક્ષિક સંઘ)ને આના સંચાલનનો કાર્યભાર સોંપવામાં આવ્યો.

ઇ. સ. 1945માં બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થતાં થતાં સાર્જન્ટ યોજનાનું નિર્માણ થયું. આ કમિશને આ મુજબ ભલામણો કરી. 6થી 14 વર્ષની ઉંમરવાળા બાળકો (છોકરાં – છોકરી) માટે ફરજિયાત શિક્ષણ હોય, જુનિયર બેઝિક સ્કૂલ, સિનિયર બેઝીક સ્કૂલ, સાહિત્યિક હાઈસ્કૂલ અને વ્યાવસાયિક હાઈસ્કૂલનું શિક્ષણ 11થી 17 વર્ષની અવસ્થા સુધી આપવામાં આવે. આના પછી વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મળે. ડિગ્રી (સ્નાતક)નો અભ્યાસક્રમ ત્રણ વર્ષનો હોય. ઈન્ટરમીડિએટ ધોરણો સ્થાયી કરવામાં આવે. પાંચ વર્ષથી ઓછી ઉંમરવાળા માટે નર્સરી શાળા હોય, શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોય. ઇ. સ. 1947માં આપણે આઝાદી પ્રાપ્ત કરી. હવે આપણે સ્વતંત્રતા પછી શિક્ષણક્ષેત્રે ખાસ કરીને પ્રાથમિક શિક્ષણક્ષેત્રે કરવામાં આવેલા પ્રયત્નોને સંક્ષિપ્તમાં સમજીશું.